વંશવાદ સ્વીકાર્ય નથી

જો તમે વંશીય ભેદભાવ, સતામણી કે નફરતના સાક્ષી બનો કે અનુભવો, તો તેને સહન ન કરો; તેના વિરુદ્ધ અવાજ ઊઠાવો.

જો તમે વંશવાદી વર્તનનો શિકાર બન્યા હોય

 • જો તમારા પર હુમલો કરવામાં આવે અથવા હિંસાની ધમકી આપવામાં આવે, તો પોલીસનો સંપર્ક કરો.
  • કટોકટી કે જીવનું જોખમ હોય તેવી પરિસ્થિતિમાં ત્રણ શૂન્ય (000) પર ફોન કરીને પોલીસ બોલાવો.
  • જો તમારે પોલીસની મદદની જરૂર હોય, પરંતુ કોઇ તત્કાળ જોખમ ના હોય, તો પોલીસ સહાય સેવાને (131 444) પર ફોન કરો.
 • જો હિંસાની શક્યતા ના હોય, અને જો તેમ કરવું સલામત હોય તો, સંડોવાયેલ જે તે વ્યક્તિ અથવા વ્યક્તિઓ સાથે તમે સીધી વાતચીત કરીને પણ પરિસ્થિતિનો સામનો કરી શકો છો.
 • જો સીધી વાતચીતથી પરિસ્થિતિનું સમાધાન ન થાય અથવા તમને તેમ કરવું અનુકૂળ ન લાગે, તો તમે ઓસ્ટ્રેલિયાના માનવ અધિકાર આયોગ (એએચઆરસી)ને ફરિયાદ કરી શકો છો.
  • એએચઆરસીને ફરિયાદ કરવા, www.humanrights.gov.au/complaints ની મુલાકાત લો અથવા એએચઆરસીની રાષ્ટ્રીય માહિતી સેવાને 1300 656 419 અથવા 02 9284 9888 – પર ફોન કરો.

મૂકપ્રેક્શકની હાજરીની તાકત

જ્યારે સાક્ષીઓ વંશવાદની વિરૂદ્ધ અવાજ ઊઠાવે, ત્યારે પીડિત વ્યક્તિ આધારની લાગણી અનુભવે છે અને જે વ્ચક્તિ વંશવાદી વર્તન કરતો હોય, તે પોતાના વર્તન પર ફેરવિચારણા કરવા મજબૂર થઇ શકે છે. તમારી જાતને જોખમમાં ના મૂકશો. પરંતુ જો તેમ કરવું સલામત હોય તો, વિરોધ કરો અને પીડિતની સાથે રહો. એક નાની ચેષ્ટા પણ મજબૂત સંદેશ આપી શકે છે.

જો તમે વંશવાદવાળું વર્તન જુઓ, તો તમે:

 • વિરોધ કરો — તેને વંશવાદ જાહેર કરો, દોષીને જણાવો કે તે સ્વીકાર્ય નથી
 • પીડિતને ટેકો આપો— નિશાન બનાવવામાં આવેલ વ્યક્તિની બાજુમાં ઊભા રહો અને તેમને પૂછો કે તેઓ ઠીક છે કે કેમ  
 • પૂરાવા એક્ઠા કરો — તમારા ફોનમાં બનાવને રેકોર્ડ કરો, દોષીનો ફોટો લો અને તેની અધિકારીઓને જાણ કરો.

ઓસ્ટ્રેલિયાના માનવ અધિકાર આયોગ પાસે મૂકપ્રેક્શકો માટે સૂચનો છે, તે માટે  https://itstopswithme.humanrights.gov.au/respond-racism ની મુલાકાત લો.

વંશીય ભેદભાવ અને તમારા અધિકારો

જાહેરમાં કોઇ વ્યક્તિના અથવા જનસમુદાયના વંશ, રંગ, રાષ્ટ્રીય અથવા વંશીય મૂળના આધારે એવું કંઇક કરવું, કે જે તેમના માટે મન દુભાવનારું, અપમાનીત કરનારું, શરમિંદું કરનારું કે ડરાવનારું હોય તો, તે ઓસ્ટ્રેલિયામાં કાયદાની વિરુદ્ધ છે. આ પ્રકારના વર્તનને વંશીય નફરત તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

વંશીય નફરતના ઉદાહરણોમાં, વંશીય રીતે:

 • વાંધાજનક સામગ્રી કે જેમાં ઇન્ટરનેટ પર ઇ-ફોરમ(ચર્ચા), બ્લોગ્સ, સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ અને વીડિયો શેરિંગ સાઇટ્સનો સમાવેશ થાય છે
 • વાંધાજનક ટિપ્પણીઓ અથવા ચિત્રો, છાપાંમાં, સામાયિકોમાં અથવા ચોપાનીયામાં પ્રકાશિત કરવા
 • જાહેર સભાઓમાં વાંધાજનક ભાષણો આપવા
 • જાહેર સ્થળો જેવા કે દુકાનો, નોકરીના સ્થળો, બગીચા, પરિવહનનાં સાધનો અથવા શાળામાં અપમાનજનક ટિપ્પણીઓ
 • ખેલાડીઓ, દર્શકો, શિક્ષકો (રમતના) અથવા અધિકારીઓ દ્વારા રમતગમતના કાર્યક્રમોમાં અપમાનજનક ટિપ્પણીઓ નો સમાવેશ થાય છે.

આ કાયદાનો ઉદ્દેશ, મુક્ત સંવાદના અધિકાર ('વાણી સ્વાતંત્ર્ય') અને વંશીય નફરતથી મુક્ત રહેવાના અધિકાર વચ્ચે સંતુલન જાળવવાનો છે. અમુક સંજોગોમાં જો વર્તન "વ્યાજબી રીતે અને સદ્ભાવનાથી" કરવામાં આવે, તો તે કાયદાની વિરુદ્ધ નથી.

જ્યારે એક વ્યક્તિ સાથે તેના વર્ણ, રંગ, વંશ, રાષ્ટ્રીય અથવા વંશીય મૂળ અથવા દેશાંતર દરજ્જાને કારણે, તેના જેવી જ પરિસ્થિતિમાં હોય તેવા બીજા વ્યક્તિની સરખામણીમાં ઓછો અનુકૂળ વ્યવહાર કરવામાં આવે ત્યારે વંશીય ભેદભાવ થયો કહેવાય, જેમકે, કોઇ વ્યક્તિને તે એક ચોક્કસ વંશનો અથવા રંગનો હોવાને લીધે ઘર ભાડે આપવાની ના પાડવી.

વંશીય ભેદભાવ ત્યારે પણ થાય છે, જ્યારે કોઇ નિયમ કે નીતિ દરેકને માટે સમાન હોય, પરંતું તેની એક ચોક્કસ વર્ણ, રંગ, વંશ, રાષ્ટ્રીય અથવા વંશીય મૂળ અથવા દેશાંતર દરજ્જો ધરાવતાં વ્યક્તિઓ પર અનુચિત અસર થતી હોય, જેમકે, જો કોઇ કંપની એવું કહે કે, કર્મચારીઓએ નોકરીના સ્થળે ટોપી કે બીજું કશું માથા પર ન પહેરવું, તો કેટલાક વર્ણ/વંશીય પૃષ્ટભૂમિ ધરાવતા લોકો પર તેની અયોગ્ય અસર થવાની શક્યતા છે.

જો તમે વંશીય નફરતનો અનુભવ કરો, તો તમે ઓસ્ટ્રેલિયાના માનવ અધિકાર આયોગને ફરિયાદ નોંધાવી શકો છો. ફરિયાદ પ્રક્રિયા સરળ, નિ:શૂલ્ક અને લવચીક છે.

ઓસ્ટ્રેલિયાના માનવ અધિકાર આયોગને ફરિયાદ નોંધાવવા, www.humanrights.gov.au/complaints ની મુલાકાત લેશો.

રાષ્ટ્રીય માહિતી સેવા

ઓસ્ટ્રેલિયાના માનવ અધિકાર આયોગની રાષ્ટ્રીય માહિતી સેવા (એનઆઇએસ) માનવ અધિકારો અને ભેદભાવના વિવિધ મુદ્દાઓ વિશે વ્યક્તિઓ, સંસ્થાઓ અને નોકરીદાતાઓ માટે માહિતી અને ભલામણો પૂરી પાડે છે. આ સેવા નિ:શૂલ્ક અને ગોપનીય છે.

એનઆઇએસ:

 • સંઘીય માનવ અધિકારો અને ભેદભાવ વિરોધી કાયદા હેઠળ તમારા અધિકારો અને જવાબદારીઓ વિશે તમને માહિતી આપી શકે છે
 • તમે સંઘને ફરિયાદ કરવાની પરિસ્થિતિમાં છો અથવા તમારા કિસ્સામાં કાયદો કેવી રીતે લાગુ પડી શકે છે તે અંગે ચર્ચા કરી શકે છે
 • ફરિયાદ કેવી રીતે કરવી, ફરિયાદનો જવાબ આપવો અથવા ભેદભાવનાં ચોક્કસ મુદ્દાઓ સાથે કામ લેવું જેવી બાબતોમાં માહિતી આપી શકે છે
 • તમને મદદ કરી શકે તેવી અન્ય સંસ્થાની ભલામણ કરી શકે છે

કૃપા કરી નોંધ લેશો કે એનઆઇએસ કાનૂની સલાહ આપવામાં અસમર્થ છે.

તમે એનઆઇએસનો સંપર્ક:

અનુવાદ અને દુભાષિયા સેવા

ધ ટ્રાન્સલેટીંગ એન્ડ ઇન્ટરપ્રિટીંગ સર્વિસ (ટીસ નેશનલ), જે વ્યક્તિઓ અંગ્રેજીના બોલી શક્તા હોય તેમના માટે દુભાષિયા સેવા છે. અંગ્રેજી ન બોલી શકનારાઓ માટે, ટીસ નેશનલ સર્વિસઝની મોટાભાગની સેવાઓ નિ:શૂલ્ક સેવાઓ છે.

કાઉન્સેલિંગ અને માનસિક સ્વાસ્થ્ય સુખાકારી

COVID-19 મહામારી દરમ્યાન લોકોને મદદ માટે ખાસ શરૂ કરવામાં આવેલી નવી ૨૪⁄૭ સહાય સેવા તમામ ઓસ્ટ્રેલિયનોને નિ:શૂલ્ક ઉપલબ્ધ છે.

આ સેવા https://coronavirus.beyondblue.org.au/ વેબસાઇટ પર જઇને મેળવી શકાય છે.

વ્યક્તિગત કટોકટી અને માનસિક સ્વાસ્થ્ય સહાય સેવાઓ, બીયોન્ડ બ્લુનો 1800 512 348 અથવા લાઇફલાઇનનો 13 11 14, પર તમે કોઇ પણ સમયે સંપર્ક કરી શકો છો. 

કિડ્સ હેલ્પલાઇન, ૫ થી ૨૫ વર્ષના યુવાનો માટેની નિ:શૂલ્ક સેવા છે. બાળકો, કિશોરો અને નવજુવાનો કોઇ પણ સમયે 1800 551 800, પર ફોન કરી શકે છે.